જાગતાં રહી પ્રાર્થના કરીએ
“જાગતા રહો અને પ્રાર્થના કરો”
ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ,
આ લોકડાઉનનાં સમયમાં ચોક્કસ રીતે આપણે દેવનાં આગમનને માટે મોટી તૈયારી કરવાની આપણને જરૂર છે. પ્રભુનું આગમન ખૂબ જ નજીક છે. ત્યારે આપણી વ્યક્તિગત પ્રાર્થનાઓને મજબૂત કરીને આત્મિક તૈયારીઓ કરવાનો આ સમય છે.
દેવનું વચન એમ કહે છે કે, “ જાગતા રહો પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”
અત્યાર સુધી આપણે ચાર જેટલી પ્રાર્થના સાંકળનું આયોજન કર્યુ છે. પરંતુ ઘણા બધા જુવાનો હજી પણ ઉંઘમાં છે. જેઓ પ્રાર્થનાની બાબતમાં નિષ્કિય છે. ગત રવિવારની ઘરની ભક્તિસભામાં જ પાળક સાહેબે કહ્યું, આ દિવસોમાં ખાસ દરેકે પ્રાર્થનાઓની અંદર મજબૂત થવાનું છે.
ઈગ્નાઈટ યુથ આ દિવસોમાં પ્રાર્થના અને વચનો મનનની ઝુંબેશ ઉઠાવી રહ્યું છે ત્યારે આ ઝુંબેશમાં ઘણા બધાં જુવાનો જોડાઈ રહ્યા નથી. આત્મિક પ્રવૃતિમાં જોડાવાનો હોશ જતો રહ્યો છે. નીતિવચનમાં લખવામાં આવ્યું છે કે, હજી થોડી નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાડીને સૂવા દો. એમ કહેવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે. – નીતિવચન – 24 – 33 : 34
પ્રાર્થનાઓ ન કરવાને કારણે “આત્મિક ગરીબી” આવે છે. વ્યક્તિગત પ્રાર્થનાઓ તમે કરતા હશો એ ચાલુ જ રાખવાની છે. પરંતુ દેવનું વચન સભાશિક્ષકમાં એમ કહે છે કે “એક કરતા બે ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારૂ મળે છે. માટે પ્રભુનો આત્મા કહી રહ્યો છે કે આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા દરેક જુવાનો પ્રાર્થના સાંકળમાં જોડાય સાથે સાથે દરરોજનું જે બાઈબલ વચન-મનન છે તે પણ રોજ રોજ વાંચનમાં જોડાય જેથી આપણે પોતાની જાતને દેવના આગમનને માટે તૈયાર કરી શકીએ.
માથ્થી 24 પ્રમાણે ગત રવિવારે પાળક સાહેબે સમજાવ્યું તે પ્રમાણે કલમ 40 થી આગળ “તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવામાં આવશે અને બીજો પડતો મુકાશે.” એનો મતલબ શું- અહીં બે માણસ છે. બંને ખેતરનું કામ કરી રહ્યા છે. કદાચ એ નિંદામણનું કાર્ય હોય કે રોપણીનું કાર્ય કરતા હોય, બંને જણ ખેતરનું કાર્ય કરી રહ્યા છે પરંતુ એક વ્યક્તિનાં જીવનમાં પ્રાર્થના અને વચન પણ છે અને એક વ્યક્તિ પોતાનાં ખેતરનાં કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે તેને દેવનાં વચન-પ્રાર્થનાને માટે સમય નથી. અને એમ એક દેવના આગમનને માટે તૈયાર છે અને બીજો દેવનાં વચન પ્રાર્થના પ્રત્યે નિષ્ક્રિય છે માટે જે સક્રિય છે તે લેવાય છે અને નિષ્ક્રિય વ્યક્તિ પડતો મુકાય છે.
કલમ 41માં કહ્યું છે, તે પ્રમાણે બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે અને એક પડતી મુકાશે. એનો મતલબ એમ છે કે, ખાસ સ્ત્રીઓ માટે ઘરનું કામ એ એક અગત્યનું કામ છે. દરેક સ્ત્રીઓ પોતાના ઘરનાં કાર્યમાં વ્યસ્ત હોય છે. પરંતુ અહીં આ બંને સ્ત્રીઓ ઘંટીએ દળી રહી છે. મતલબ કે બંને સ્ત્રીઓ પોતાનું ઘરકામ કરી રહી છે. પરંતુ એક સ્ત્રી એવી છે જે પોતાનાં વ્યસ્ત ઘરકામમાંથી પણ દેવના વચન-પ્રાર્થનાને માટે અલગથી સમય કાઢે છે.
લૂક 10- 41 : 42માં આપણે જોઈએ છીએ કે માર્થા – મરિયમ વિશે, માર્થા એ સરભરા કરવામાં ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે પરંતુ મરિયમ ખ્રિસ્ત ઈસુના પગ આગળ બેસીને તેમની વાતો સાંભળે છે.એટલે કે વચનો સાંભળે છે અને પ્રભુ ઈસુ કહે છે, પણ એક વાતની જરૂર છે. અને મરિયમ સારો ભગા પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. – લૂક – 10 : 42
ફરી આપણે દળનારી સ્ત્રીઓ પાસે આવીએ, એક સ્ત્રી પોતાના ઘરકામમાંથી દેવનાં વચનો-પ્રાર્થનાને માટે દેવનાં ચરણોમાં બેસીને પોતાને અલગ સમય કાઢે અને બીજી પોતાના કાર્યમાં મશગૂલ છે તેથી જ એક સ્ત્રી આત્મિક તૈયારી કરી શકે છે. પરંતુ બીજી તે પ્રમાણે કરી શકતી નથી માટે એક તૈયાર છે અને બીજી તૈયાર નથી ત્યારે દેવ જે તૈયાર છે તેને પોતાની સાથે લઈ લે છે અને બીજી તૈયાર નથી તેને પડતી મૂકે છે.
જો જો મિત્રો, સાવચેત થઈ જજો દુનિયામાં મહામારી આવી ચૂકી છે, ધરતીકંપો થઈ રહ્યા છે યુદ્ધની વાતો સંભળાઈ રહી છે, તીડોના ઝુંડ આક્રમણ કરી રહ્યા છે આ દેવનાં આગમનની નિશાનીઓ છે.
જો તમે પ્રાર્થના અને વચનમાં મજબૂત ન થશો તો પૃથ્વી પર એકલા રહી જવાનો વારો આવી જશે.
માટે ચાલો, ઈગ્નાઈટ ગૃપની સાથે આવતીકાલની પ્રાર્થના સાંકળ તેમજ વચનોનાં મનનમાં જોડાઈ જઈએ અને પોતાના જ વ્યક્તિગત જીવનને દેવના આગમન માટે તૈયાર કરીએ.